Monday, February 2, 2009

gujarati kavita, tara vina kashe man laagtu nathi

તારા વિના કશે મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી.

પોતીકા થઈ ગયા’તા આ વૃક્ષો ને ખેતરો,
ને આપણા થયા’તા નદી ને સરવરો;
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.

અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું,
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું;
ખુદનું વતન હવે વતન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.

સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને,
બસ આતવા જનમ મહીં મળવાની રાહ જોઇએ;
આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતું નથી.

Monday, July 21, 2008

સખી, અત્તરની શીશીમાં મોહ્યા

સખી, અત્તરની શીશીમાં મોહ્યા

દૂરની સુગંધો પર માંડીને મીટ અમે આંગણના મોગરાને ખોયા

વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંઘ્યા પણ ઓળખ્યા ના પોતાના શ્વાસને

એટલું ન સમજયા કે થાતું શું હોય છે ઝાકળ બંધાય ત્યારે ઘાસને

મલકયાનો હોઠવગો ભૂલી મલક અમે નકશાના ગામ કાજે રોયા સખી, અત્તરની શીશીમાં મોહ્યા

આપણે પણછ થકી છૂટેલાં તીર નથી જેને ના હોય પાછું વળવું

કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું સાવ છે સહજ ભૂલા પડવું

ઝાઝા ના દૂર હવે રાખો સખી કે અમે ધબકારા છાતીવછોયા

સખી, અત્તરની શીશીમાં મોહ્યા

Sunday, July 20, 2008

ઊડવાને પાંખો પ્રસરાવી મન થઇ આવે

અંધકાર પછી હંમેશાં ઉજાસ છે

જિંદગીને જીવવાનો નવો અવકાશ છે.

ઊડવાને પાંખો પ્રસરાવી મન થઇ આવે

કિન્તુ ઊડવાને આ વળી નાનું આકાશ છે.

ઝાંઝરનો રણકાર ઝીણો ઝીણો સંભળાય

લાગે છે, તું મારી નજીક કે આસપાસ છે.

તું ગમે ત્યાં હોઇશ, એની મને ખબર નથી

છતાંય, સદાય મારા દિલમાં તારો વાસ છે.

Friday, July 11, 2008

friendship slogan

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

Thursday, July 10, 2008

દરિયામાં ઊઠયાં ઊર્મિતરંગો

દરિયામાં ઊઠયાં ઊર્મિતરંગો

આંખના પડળમાં ધોળાયા!

શમણાની રાખમાં ઊગ્યાં

અનેરા સોબતી ફૂલ!

એક-મેકના ભીડાયા આંગળા

તરવા લોઢના ઉછાળા

ઓરતાના ઓઝલમાં ઊઠયાં

અગનખેલના વાયરા

નગરના વાઘા સજાયા

સાંજની સોનેરી સોગાતમાં

બંધ કર્યા દ્વારના આગળા

જયાં હું જ રહી ગયો બહાર!

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?
reply forward save delete ignore this person

Wednesday, July 9, 2008

love life

દરિયામાં ઊઠયાં ઊર્મિતરંગો

આંખના પડળમાં ધોળાયા!

શમણાની રાખમાં ઊગ્યાં

અનેરા સોબતી ફૂલ!

એક-મેકના ભીડાયા આંગળા

તરવા લોઢના ઉછાળા

ઓરતાના ઓઝલમાં ઊઠયાં

અગનખેલના વાયરા

નગરના વાઘા સજાયા

સાંજની સોનેરી સોગાતમાં

બંધ કર્યા દ્વારના આગળા

જયાં હું જ રહી ગયો બહાર!