Thursday, July 10, 2008

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?
reply forward save delete ignore this person

No comments: